કપરાડા તાલુકામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મોટરસાઇકલ રેલી યોજાઇ
માહિતી બ્યુરો : વલસાડઃ તા. ૨૦ : વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયાની જાણકારી જિલ્લાના દરેક મતદારને મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલની રાહબરી હેઠળ ઝુંબેશના રૂપમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે અંતર્ગત કપરાડા તાલુકા મથકે પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકોના સહયોગથી મોટરસાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં પ્લેકાર્ડ અને બેનરો થકી મતદાન જાગૃતિના સંદેશા સાથે કપરાડા વિસ્તારમાં ફરી સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરાયો હતો. આ રેલીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા સહિત ચૂંટણીતંત્રના અધિકારી/ કર્મચારીઓ હાજર રહ્યા હતા.