*પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું*
— *સરકારે બજેટ મુજબ રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડના વિકાસ કાર્યો કર્યા છે– મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ*
વલસાડ તા. ૨૧ ઓક્ટોબર.
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના પારડીના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના ૩૫૬ વિકાસકાર્યોનું ઈ – ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૧૨.૫૭ કરોડના કુલ ૨૫૬ કામોનું ઇ – ખાતમુહૂર્ત અને રૂ.૧૧.૧૯ કરોડના ૧૦૦ કામોનું ઇ – લોકાર્પણ કરાયું હતું.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વહીવટ વિભાગ – આયોજન અંતર્ગત રસ્તા, સ્મશાન ભૂમિ, શાળાની કંપાઉન્ડ વોલ, નાળા ગટરના રૂ.૫.૯૦ કરોડના ૨૫૩, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત વાપીમાં નવીન ડેપો વર્કશોપનું રૂ.૩.૬૧ કરોડના, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચેકડેમ અને આર.સી સી. બોક્સ કલવર્ટના રૂ.૩.૦૬ કરોડના ૨ કામોનું ઈ – ખાતમુહૂર્ત તેમજ રસ્તા, સ્મશાન ભૂમિ, શાળાની કંપાઉન્ડ વોલ, નાળા ગટરના રૂ.૧.૬૨ કરોડના ૯૦ કામો, ધરમપુર અને કપરાડા તાલુકામાં ચેકડેમ અને આર.સી સી. બોક્સ કલવર્ટના રૂ.૩.૨૮ કરોડના ૯ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પારડીમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ (EMRS)ના રૂ.૬.૨૯ કરોડના ખર્ચે બનેલા નવા મકાનનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ ગુજરાતના લોકોને સરકાર પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવા બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ વિશ્વ ફલક ઉપર દેખાય છે. ગુજરાતના આ વિકાસમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સિંહફાળો છે. ગુજરાતની ધૂરા સંભાળ્યા બાદ ૨૦૦૨થી ૨૦૧૪ દરમિયાન સમગ્ર દેશના લોકોએ વિકાસ ખરેખર શક્ય છે એ ગુજરાતમાં નિહાળ્યા બાદ તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે. ૨૦૧૪ બાદ પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના વિકાસની યાત્રા શરૂ કરી એ આપણી નજર સમક્ષ છે. ગુજરાતમાં આજ સુધીના બજેટમાં સૌથી મોટું બજેટ રજૂ કરવાનો મોકો મળ્યા બાદ રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડના વિકાસના કામો સરકારે કર્યા છે. બજેટ બાદ જે કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ દરેક કામો સરકારે કર્યા છે અને કરતી રહેશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, પારડી પ્રાંત અધિકારી ડી. એ. વસાવા, આયોજન અધિકારી મનીષ ગામીત, પારડી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સની પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મિત્તલબેન પટેલ, પારડી મામલતદાર આર.આર.ચૌધરી, તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઇ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.