ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન ઑફિસ) બનાવવા મંજૂરી.
વીજ ગ્રાહકોના લાભાર્થે લીધેલા આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાના દૂરસુદૂર વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા પૂરી પાડવાના કાર્યમાં ખૂબ મોટી મદદ મળશે: – ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઊર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઇ દ્વારા તમામ વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા અને સુવિધાઓ વધુને વધુ નજીકના સ્થળેથી સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકારે હંમેશા પ્રગતિશીલ નિર્ણયો લીધેલા છે. આવા જ એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવામાં આવશે.
નવીન ધરમપુર વિભાગીય કચેરી વલસાડ જિલ્લામાં, નવીન કીમ વિભાગીય કચેરી સુરત જિલ્લામાં અને નવીન વઘઇ વિભાગીય કચેરી ડાંગ જિલ્લામાં બનશે. નવીન કીમ વિભાગીય કચેરી બનવાને કારણે કરંજ, મોટા વરાછા, કીમ વિગેરે વિસ્તારોના વીજ ગ્રાહકોને વિભાગીય કચેરીને લગતા કામ માટે કડોદરા જવું પડતું હતું, જેને બદલે હવેથી કીમ ખાતે મંજૂર થયેલ નવીન કચેરીથી વીજ ગ્રાહકોને વીજ સેવાઓ મળશે. વાપીથી કપરાડા સુથારપાડા નાનાપોંઢા, ધરમપુર વગેરે વિસ્તારો વાપીથી ૭૦ કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને અગવડ પડતી હતી જેથી સરકાર દ્વારા ભૌગોલિક અનુકૂળતા રાખવા માટે નવીન ધરમપુર વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે.
નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના વાંસદા, પીપલખેડ, વઘઈ, આહવા, સાપુતારા, અનાવલ વિસ્તારો નવસારીથી ૧૦૦ કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને નજીકના સ્થળેથી વીજ સેવાઓ મળી રહે તે માટે નવીન વઘઇ વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે. નવીન ધરમપુર વિભાગીય કચેરી અને નવીન વઘઇ વિભાગીય કચેરીને કારણે આદિવાસી તેમજ જંગલ વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને પણ ખૂબ મોટો લાભ મળશે. રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે બનાવવામાં આવેલ નવીન પેટા વિભાગીય કચેરીઓ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સમગ્ર રાજયમાં ૧૬ પેટાવિભાગીય કચેરીઓ બનાવવામાં આવી છે જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ૬, ઉત્તર ગુજરાતમાં ૫, મધ્ય ગુજરાતમાં ૩ અને પશ્ચિમ ગુજરાતમાં ૨ નવીન કચેરીઓ બનાવવામાં આવી છે.
રાજ્યના વીજ ગ્રાહકોને સારી વીજ સેવાઓ ઉપરાંત ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પણ મળી રહે તે માટે છેલ્લા એક વર્ષમાં ૧૦૬ નવીન સબ સ્ટેશન બનાવવામાં આવેલ છે તથા વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧૦ નવીન સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.આ નવીન કચેરીઓ અને સબ સ્ટેશન બનવાને કારણે વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા અને સુવિધાઓ મળવાની સાથે સાથે ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો મળશે તેમ ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ ઉમેર્યું હતું.
છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક વીજ કટોકટી દરમિયાન રાજ્યની અસામાન્ય વીજ માંગને પહોંચી વળવા માટે લેવામાં આવેલ પગલાં અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે આવનારા સમયમાં તમામ પ્રોજેક્ટ્સમાંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તેવી ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી અને કોલસાની ગુણવત્તા, ઉપલબ્ધિ વહન, કિમંત વગેરેના વિવિધ પ્રશ્નોના .. ઉકેલ માટે કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રી, રેલ્વે મંત્રી અને કોલસા મંત્રીની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી પરામર્શ કરી તમામ સમસ્યાઓનું કાયમી નિરાકરણ કરવામાં આવેલ
રાજયના વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવાઓ તેમજ ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે રાજ્યની વીજ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મંત્રીશ્રી જણાવ્યું હતું.