ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર તથા નેશનલ ડિઝારસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી નવી દિલ્હીના સંયુકત ઉપક્રમે તા. ૧૧/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯-૦૦ કલાકે રાજય લેવલની રસાયણ ઔદ્યોગિક મોક એકસરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કલેકટર કચેરીના સભાખંડ ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.
આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીયલ ઓફ સાઇટ તથા મોક એકસરસાઇઝના સ્થળ તથા પૂર્વ તૈયારી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ મુંઝવતા પ્રશ્નો અંગે છણાવટ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં રાજય લેવલની રસાયણ ઔદ્યોગિક મોક એકસરસાઇઝ અતુલ કંપની ખાતે એમોનિયા લીકેજ, વાપી આરતી ઇન્ડસ્ટ્રીઝ ( AMINE Division) તથા સરીગામ પ્લાસ્ટીક ઝોન જી.આઇ.ડી.સી , SHV Energy ખાતે એલ.પી.જી ગેસ લીકેજનો સિનારીયો ઊભો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ૩૩ MAH (Major Accident Hezard) કંપનીઓ આવેલી છે. અકસ્માતે દુર્ઘટના સર્જાય ત્યારે જાન-માલને નુકશાન ન પહોંચે તેવા પ્રકારની કામગીરીનું મોકડ્રીલ કરાશે. આ ઘટના સમયે ગભરાવાની જરૂર નથી, પરંતુ અમલીકરણ સ્ટાફ દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી કામગીરીમાં સાથ સહકાર આપવા જણાવાયું છે.
જિલ્લા કલેકટર સી.આર ખરસાણે રાજય લેવલની રસાયણ ઔદ્યોગિક મોક એકસરસાઇઝ થકી લોકોમાં જાગૃતિ આવે અને પોતાના તથા જાનમાલના બચાવ કામગીરીમાં શું કરવું તે અંગે જાણકારી મળી રહેશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો ચુસ્ત રીતે બજાવવા સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક ડી.કે.વસાવા સહિત કંપનીના હોદ્દેદારો, અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.