ગરીબ કલ્યાણ મેળામાં રાજયના નાણાં,ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે રૂા. ૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૫ ગ્રામપંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે.
વલસાડ : રાજયના ગરીબોને રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળેથી વચેટિયા વિના સીધેસીધા તેમને મળે તે માટે રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા હતા જે અંતર્ગત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજયમાં તા. ૧૪ મી ઓકટોબરથી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આજે વલસાડ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો પારડી કુમાર શાળાના મેદાન ખાતે યોજાનાર છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા રૂા. ૨.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૫ ગ્રામપંચાયતોના ભવનોનું લોકાર્પણ થનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા રાજયની પંચાયતો માટે નવીન ભવન તૈયાર કરવા માટે ભાર મૂકવામાં આવી રહયો છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પણ ગ્રામપંચાયતોના નવા મકાનો બની રહયા છે.
આ લોકાર્પણ થયેલા ગ્રામપંચાયતોના નવા મકાનો બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, રૂરલ ઇન્ફાસ્ટ્રકચરના પ્રકલ્પો હેઠળ ગ્રામપંચાયતોના નવા ભવનો બની રહયા છે. જેમાં ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે જિલ્લા પંચાયત કટિબધ્ધ છે. આ નવા ભવનો માટે આ ગ્રામપંચાયતના તૈયાર થયેલા નવા મકાનમાં તલાટી કમ- મંત્રીને આવાસની સુવિધા રાખવામાં આવી છે તેમજ ગ્રામ્યજનોને ગ્રામ્યકક્ષાએ તમામ પ્રકારની સુવિધાઓ ડીજીટલી મળે તે માટે ઇ ગ્રામ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં જે ૧૫ ગ્રામપંચાયતોના નવા મકાનો તૈયાર થયા છે તેમાં સરકારશ્રીની નાણાંપંચ અને મનરેગાની ગ્રાન્ટ, ૧૦૦ ટકા મનરેગાની તેમજ સી. ડી. પી.-૫(માર્ગ અને મકાન વિભાગ) ની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે. જે વિગતે જોઇએ તો આ મકાન ગ્રામપંચાયત દીઠ રૂા. ૧૪ લાખ પ્રમાણે તૈયાર થયા છે. જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો કપરાડા તાલુકામાં તેરી ચીખલી, દાબખલ, કાજલી, પાંચવેરા, ઓજર, સુલીયા અને પાનસ એમ ૭, ઉમરગામ તાલુકામાં કાલઇ, નંદીગામ અને ટીંભી એમ ૩ પારડી તાલુકામાં મોતીવાડા અને સોનવાડા એમ ૨, તેમજ વલસાડમાં દિવેદ, વાપીમાં પંડોર અને ધરમપુરમાં મોટી ઢોલ ડુંગરીનો સમાવેશ થાય છે.