વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માં વિધાતા- માં વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્ય ધામમાં માં વિધાતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરીને અસંખ્ય લોકોએ ધન્યતા અનુભવી હતી.
અહિ આ ધામે માંનો દિવ્ય સંદેશ “ અંદ્ધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો “ તેમજ કર્તવ્યકર્મ, કર્મભક્તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્વિક શક્તિની આરાધના કરવા લાગ્યા છે.
આ ધામે ગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિયાં આ ધામે સ્વચ્છતા અને શિષ્ટતા જોઇને લોકો પણ પોતાના જીવનમાં સ્વચ્છતા અને શિષ્ટતાનું પાલન કરતા થયા છે.
આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.